કર્ક રાશિવાળા એટલે કે ડ, હ શબ્દવાળા લોકો ખૂબ ઝડપથી કરે છે પ્રગતિ, જાણો તેમના વિશે A to Z માહિતી.

બહારથી ખુબ કઠોર હોય છે કર્ક રાશિના જાતકો પણ અંદરથી એકદમ નરમ અને સંવેદનશીલ હોય છે જાણો વિશેષ વાતો. “કર્ક જાતકો બહારથી કઠોર હોય છે, જેથી તે પોતાનો બચાવ કરી શકે છે. જો કે,તેમની કઠોરતા માત્ર બાહ્ય દેખાવ પૂરતી હોય છે, અંદરથી તેઓ ઘણા મૃદુ સ્વભાવના હોય છે. કર્ક જાતકોના સંવેદનશીલ સ્વભાવના કારણે તેઓ પોતાની કઠોરતા પાછળ લાગણીઓ છુપાવી રાખે છે. કર્ક રાશિની સંજ્ઞા કરચલો છે, જેના લાંબા અને તીક્ષ્ણ ન્હોર કર્ક જાતકોમાં કોઈપણ બાબત અને ખાસ કરીને ભૂતકાળ સાથે વળગી રહેવાનો ગુણ દર્શાવે છે. કર્ક જાતકો વફાદારી નિભાવવા અંગે ઘણા ગંભીર હોય છે પરંતુ કોઈપણ બાબતે જતું કરવું તેમના માટે ઘણું અઘરું છે. કર્ક જાતકો તેમના પ્રિયજનોને રક્ષણ આપવામાં ખૂબ ઉત્સુક હોય છે. કર્ક જાતકોનો પ્રેમ રક્ષણાત્મક હોય છે પરંતુ ક્યારેક તે પ્રેમ ગુંગળાવનારો બની જાય છે.

કર્ક જાતકો અપરાધ સામે રક્ષણાત્મક અભિગમ અપનાવે છે. આપ તમારી હદમાં રહીને તમારા વિરોધીઓ પર પ્રહાર કરો છો. ક્યારેક લોકોની નજરમાં પીછેહઠ લાગે તેવું પગલું ખરેખર આપની આક્રમકતાની વ્યૂહ રચનાનો એક ભાગ હોઈ શકે છે. જ્યારે તમે તમારા ઘર અને પરિવાર સાથેના સંબંધોને જાળવીને કે વિકસાવીને પોતાની સુરક્ષા વધુ મજબૂત કરો છો, ત્યારે એ યાદ રાખવું કે તેના કારણે મનમાં દબાવી રાખેલો ગુસ્સો ક્યારેક મન દુઃખ કે હતાશાનું કારણ બની શકે છે. કર્ક જાતકોએ કોઈ એવી વ્યક્તિની તલાશ કરવી જોઈએ, જેમના પર તેઓ વિશ્વાસ મૂકી શકે અને તેમની સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે.

સ્વામી ગ્રહ : ચંદ્રની કળામાં સતત વધઘટ થતી રહે છે. સતત બે રાત સુધી પણ તે એક જ સ્થિતિમાં જોવા નથી મળતો. આ ગ્રહ એક મહિનામાં પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે. મહિલાઓનું માસિકચક્ર ચંદ્રની કળાને અનુસરે છે, તેથી જ મહિલાઓમાં ચંદ્ર પ્રત્યે વિશેષ પ્રેમભાવ જોવા મળે છે. પુરુષ અને મહિલાઓ એમ બંનેમાં ચંદ્ર લાગણી અને ભાવનાઓ સાથે સંકળાયેલો છે. કર્ક રાશિના સ્વામી તરીકે ચંદ્ર આપણી પાયાની જરૂરિયાતનો નિર્દેશ કરે છે.

નામાક્ષર : ડ, હ

સ્વભાવ : ચર

સારા ગુણ : દ્રઢાગ્રહી, ગૂઢ શક્તિઓ સાથે સંકળાયેલી, અતિ કલ્પનાશીલ, વફાદાર, દેશભક્ત, સહાનુભૂતિવાળા , કોઈના મનને લાગણીથી વશ કરનારા, ભભકાદાર, નાટકીય.

નકારાત્મક ગુણ : મૂડ પ્રમાણે રહેનારા, નિરાશાવાદી, જન્મ જાત દોષદેખા, શંકાશીલ.

વિશેષતા : મક્કમ, ગૂઢ શક્તિઓ સાથે સંકળાયેલી, અત્યંત કલ્પનાશીલ, વફાદાર, દેશભક્ત, દયાળુ, ભભકાદાર, નાટકીય, મૂડ પ્રમાણે રહેનારા, નિરાશાવાદી, જન્મજાત વાંકદેખા, શંકાશીલ.

કર્ક રાશિનું ચિહ્ન : કરચલો

ચોથો ભાવ : ચોથો ભાવ માતા સાથે સંબંધ ધરાવે છે. આપણો ઉછેર ક્યાં થયો છે અને જીવનના શરૂઆતના દિવસોમાં માત્ર આપણી અસલ માતા જ નહીં પણ આપણા ઉછેરમાં જવાબદાર તમામ લોકોનો આ સ્થાનમાં સમાવેશ થાય છે. આ સ્થાન બાળપણ અને તેની આસપાસના સમય સાથે સંબંધ ધરાવે છે. આ એ સ્થાન છે, જ્યાં આપણે બહારના ઘોંઘાટિયા વિશ્વથી ખુદને સુરક્ષિત રાખી શકીએ છીએ. આ ભાવ આપણી અર્ધજાગૃત સ્મૃતિઓ અને બાળપણના ભયને સૂચિત કરે છે.

કર્ક રાશિનું તત્વ : જ્યોતિષશાસ્ત્રમાં જળતત્વને લાગણીના તત્વ તરીકે ગણવામાં આવે છે. પર્વતો પરથી બરફ ઓગળીને પાણી સ્વરૂપે આવે ત્યારથી શરૂ થતા જળચક્રનો ક્યારેય અંત આવતો નથી. પર્વતોમાંથી વહેતા ઝરણા એક થઈને નદીનું સ્વરૂપ ધારણ કરે છે અને નદી દરિયામાં વિલિન થઈ જાય છે. બસ આ જ રીતે આપણી લાગણીઓ ભૂતકાળના અનુભવોને વર્તમાન સાથે જોડવા માટે સતત વહેતી રહે છે. ક્યારેક પાણીની વધારે ઊંડાઈનો અંદાજ નથી આવતો તે જ રીતે લાગણીઓ પણ સ્પષ્ટપણે જાણી શકાતી નથી. એક તરફ પાણી ભરતી ( બદલાતી પરિસ્થિતિ )નો સંકેત આપે છે. પરંતુ તળાવમાં રહેલું પાણી સતત સમથળ રહે છે, એ પણ એક વાસ્તવિકતા જ છે. એ સ્થિરતાની નીચે ઘણી હલચલ અને ઉથલપાથલ થતી રહે છે.

કર્ક જાતકોની શક્તિ : બીજાને પોષવાની કે તેની સારસંભાળ લેવાની આવડત કર્ક જાતકોની સૌથી મોટી તાકાત છે

કર્ક જાતકોની નબળાઈ : ભૂતકાળના દિવસો ભવિષ્યમાં પાછા આવશે, તેવો ડર તેમને સૌથી વધારે નબળા પાડે છે.

કર્ક જાતકોના પ્રણય સંબંધો : કર્ક જાતકો બિન્દાસ ન હોય તો સારા પ્રેમી બની શકે છે. તમે લગ્ન બાદ બહુ ઝડપથી અને સરળતાથી સેટલ થઇ જાવ છો. બીજાની સંભાળ લેવાનું આપનું વલણ સામેની વ્યક્તિને પ્રેમ અને કાળજીનો અનુભવ કરાવે છે. આપનો અચાનક બદલાતો મૂડ અને ખચકાટ આપના સુખી સંબંધોમાં અવરોધ ઊભો કરી શકે છે. સાફ શબ્દોમાં કહીએ તો આપની માતા આપનું લગ્નજીવન ન બગાડે તેનું ધ્યાન રાખજો.

કર્ક જાતકો મિત્ર તરીકે : આપ ખૂબ જ સારા મિત્ર બની શકો છો. લોકો સાથેનું આપનું જોડાણ આપને સારા મિત્ર બનાવે છે અને આપ તેને સોનામાં તોલવા લાગો છો. પણ મિત્રો જ્યારે આપની અપેક્ષા પર ખરા ન ઉતરે ત્યારે આપ નિરાશ થઇ જાવ છો.

કર્ક જાતકો માતા તરીકે : માતા તરીકે કર્ક જાતક ગાઢ માતૃત્વ ધરાવે છે. તેઓ પાક કળામાં નિપુણ હોય છે અને ઘરેલુ જીવનમાં કંઇ પણ કરવું તેમને ગમતું હોય છે. કર્ક જાતકો તેમના બાળકોના મિત્રોને સારી રીતે આવકારે છે. તેમને પોતાના બાળકની ઘણી ચિંતા હોય છે. તેમના ઘરમાં ઉષ્માભર્યું અને રક્ષણાત્મક વાતાવરણ હોય છે.

કર્ક જાતકો પિતા તરીકે : કર્ક જાતકો એક સારા પિતા થવાના ઘણાં ગુણો ધરાવે છે. આપ આપના બાળકોને નાની ભૂલો માટે પણ ઠપકો આપો છો. બીજી તરફ સમસ્યાઓ ઊભી થાય ત્યારે આપ તેમની ઘણી કાળજી લો છો, તેમના માટે ઉદારતા રાખીને તેમને સમજો છો. બાળકો જ્યારે મોટા થાય અને તેમના પોતાના અભિપ્રાયો બાંધે ત્યારે તમને તકલીફ થઇ શકે છે. તેમને ઉછેરવા માટે આપની કલ્પનાશક્તિનો ઉપયોગ કરવો જોઇએ.

કર્ક જાતકોની કારકીર્દિ : કર્ક નાણાંની રાશિ છે. તેઓ કલા, હોટલ, કેટરિંગ, જ્યોતિષ, શિક્ષણ, બેંકિંગ, નર્સિંગ, સર્જ્યન, બિઝનેસ અને શેફ જેવા વ્યવસાય ક્ષેત્રમાં ઝંપલાવી શકે છે.

શારીરિક બાંધો : કર્ક જાતકોનું માથું મોટું, ચહેરો ગોળ અથવા લંબગોળ હોય છે અને કોઈ પણ પ્રકારની લાગણીઓની અભિવ્યક્તિ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવે છે. તેમની ભ્રકુટીનો આકાર એકદમ સુંદર હોય છે. મોં મોટું અને ખભા તથા પગ બાકીના શરીરની સરખામણીમાં લાંબા હોય છે. તેમનું પેટ બહાર દેખાતું હોય છે.

સ્વાસ્થ્ય : કર્ક જાતકોનું સ્વાસ્થ્ય સામાન્યપણે સારૂં રહે છે. છાતી કે પેટના દર્દો ઓછા પરેશાન કરે છે. પરંતુ તેમને વધુ પડતા વજનની સમસ્યા હોય છે.

સૌદર્ય ટીપ્સ : કર્ક જાતકોએ દેખાવનું ઘણું ધ્યાન રાખવું પડે છે કારણ કે તેમનું પેટ બહાર આવતું હોય છે. તેથી તેમને ઘણી કસરત કરવી પડે છે. કર્ક રાશિની છોકરીઓએ મોતીઓની માળા પહેરવી જોઇએ.

મનગમતી ખાદ્યસામગ્રી : કર્ક જાતકોને જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય તેવા ફળો અને શાકભાજી ભાવતા હોય છે જેમ કે કાકડી, કોળું, કોબિજ, કંદમૂળ, ભાજી, મશરૂમ વગેરે. તેમણે વધારે પાણી પીવુ જોઇએ. પેસ્ટ્રીઝ અને કેક ન ખાવી જોઇએ. તેમને માછલી ખાવાની સલાહ આપવામાં આવે છે.

આદતો : કર્ક જાતકો એક જ લઢણમાં ગોઠવાઇ જવાનું વલણ ધરાવતા હોવાથી ટેવોના ગુલામ બની જાય છે.

પુનર્વસુ નક્ષત્ર : આ નક્ષત્રના દેવ અદિતિ (દેવોની માતા) તથા સ્વામી ગુરુ છે. આ નક્ષત્રમાં જન્મેલા જાતકનું શરીર ભરાવદાર હોય છે. તેઓ ધાર્મિક હોય છે અને કોઈપણ કામમાં આરંભે શૂરા હોય છે. તેમના પ્રવૃત્તિ ક્ષેત્રો હંમેશા બદલાય છે. તેઓ હંમેશા મદદ કરવાનો સ્વભાવ ધરાવે છે. ધંધાદારી સાહસ કરતાં જાહેર સાહસમાં તેઓ વધુ સફળ બને છે અને સમૃદ્ધિ કરતા પ્રસિદ્ધિ વધારે મેળવે છે.

પુષ્ય નક્ષત્ર : આ નક્ષત્રના દેવ ગુરુ છે અને સ્વામી શનિ છે. જાતીય સુખની ભૂખમાં સંતાનોની સંખ્યા વધે. તેમનામાં ફળદ્રૂપતા વિશેષ જોવા મળે છે. તેઓ ભાગ્યે જ કોઇને આદર આપી શકે છે પણ બીજા પાસેથી હંમેશા એવી અપેક્ષા રાખે છે કે લોકો તેમનો આદર કરે. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રીઓ કંઇક અલગ હોય છે. તેઓ મોટેભાગે ધાર્મિક, શાંતિ પ્રિય, આદરભાવ રાખનારી, નમ્ર, ગંભીર અને પદ્ધતિસર કામ કરનારી હોય છે.

આશ્લેષા નક્ષત્ર : આ નક્ષત્રના દેવ નાગ (સર્પ) છે અને નક્ષત્ર સ્વામી બુધ છે. આ નક્ષત્રમાં કર્ક રાશિની પ્રત્યેક નબળી બાબતોનો પ્રભાવ વધારે જોવા મળે છે. તેમની સ્વતંત્રતા સામે કોઇ પડકાર બને તો તેઓ સાંખી લેતા નથી અને તેની સામે ઉગ્ર પ્રતિક્રિયા આપે છે. આ જાતકો પક્ષપાતી અને કઠોર હોય છે. તેઓ ગંભીર નથી હોતા અને તેમને મદદ કરનારાની પણ કદર નથી કરતા. આ નક્ષત્રમાં જન્મેલી સ્ત્રી શાંત પ્રકૃતિની હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.

બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું
Samje News પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…

નોંધ: આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *